કે.વાય.સી – KYC શું છે?

આપ જ્યારે પણ કોઇ નાણાકીય સંસ્થા સાથે રોકાણ/ઉધાર નો વ્યવહાર કરવા ઇચ્છો છો ત્યારે પ્રક્રિયાની શરુઆત KYCથી થાય છે.

જેમ હિન્દુ આસ્થા મુજબ શુભ કાર્યોની શરુઆત ગણેશજીની પુજા-અર્ચનાથી થાય છે તેમ નાણાકીય કાર્યોની શરુઆત KYC થી થાય છે. આ તર્ક પ્રમાણે KYC ને ગણેશજીનો દરજ્જો આપી શકાય!

અંગ્રેજીમાં KYC નું વિસ્તરણ Know Your Customer થાય. ગુજરાતીમાં અનુવાદ કરો તો આપના ગ્રાહકને જાણો થાય. અહીંયા જાણવાનો અર્થ ગ્રાહકની ઓળખ-પરખ કરવાનો થાય છે.

મોટાભાગના લોકોનું માનવું હોય છે કે KYCનો ઉપયોગ ગ્રાહકની માત્ર ઓળખાણ માટે હોય છે. KYCનો ખરેખર ઉપયોગ ઘણો ગહન હોય છે. સામાન્યતઃ નાણાકીય સંસ્થાઓ ચાર મુખ્ય જરૂરીયાત માટે KYCનો
ઉપયોગ કરે છે,

ગ્રાહકની પરખ
શું ગ્રાહક નાણાકીય સેવા મેળવવા માટે લાયક છે?
ઉદાહરણોઃ

 • હોમ-લોન સંસ્થા જાણવા માંગશે કે શું ગ્રાહક આપેલી લોનની ભરપાઇ કરવાની ક્ષમતા ધરાવે છે? આપનું PAN કાર્ડ અને તેના દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્ષ આ વાતની પુષ્ટિ કરી શકે છે.
 • ક્રેડીટ કાર્ડ સંસ્થા જાણવા માંગશે કે શું ગ્રાહકને સમયસર ઉધાર ચુકવવાની ટેવ છે? આપનું PAN કાર્ડ CIBIL સ્કોરના દ્વાર ખોલી આપશે. CIBIL સ્કોર આપની સમયસર બીલ ભરવાની ટેવની હકારાત્મક કે નકારાત્મક પુષ્ટિ કરી આપશે.
 • શું ગ્રાહક કાયમી ભારતીય નાગરીક છે? ઘણી સેવાઓ માત્ર ભારતીય નાગરીકો સુધી જ સીમિત હોય છે. પાસપોર્ટ આપની નાગરીકતાની પુષ્ટિ કરી આપશે.

ગ્રાહકની ઓળખ
શું ગ્રાહક ખરેખર સાચી વ્યક્તિ છે?
ઉદાહરણોઃ

 • ઘણી સુવિધાઓ દરેક ગ્રાહકને એક જ વાર મળવાપાત્ર હોય છે. જો સંસ્થા પાસે આપની ખરી ઓળખ હોય તો આ બાબતની ચોક્સાઈ કરી શકાય.
 • ભવિષ્યમાં જો સંસ્થા આપને સંપર્ક કરવા માંગે તો ક્યાં કરી શકે? આપનો રહેઠાણનો પુરાવો આ બાબતની ચોક્સાઈ કરી આપશે.
 • આધુનીક જરૂરીયાતો મુજબ સંપર્ક માત્ર પત્ર વ્યવહારથી નથી થતો. સંસ્થાને આપના મોબાઈલ નંબર તથા ઈમેલની પણ જરુર પડશે.

ગ્રાહકનું વર્ગીકરણ તથા અવલોકન
ગ્રાહકને કેટલી સુવિધા આપી શકાય? ઘણા બધા વ્યવસાયોમાં ગ્રાહકની ક્ષમતા પ્રમાણે સેવા આપવાનો રીવાજ હોય છે. જેમ કે,

અમદાવાદનો દુકાનદાર જો ગ્રાહક સારી એવી ખરીદી કરે તો આઈસક્રીમ કે ઠંડા-પીણા માટે પુછશે. નાણાકીય સંસ્થાઓ પણ આ જ રીતે કામ કરે છે! આપની KYC તથા તેના દ્વારા મળતી માહીતિ નક્કી કરે છે કે આપને આઈસક્રીમ મળશે કે નહી!

ઉદાહરણોઃ

 • જો આપ વર્ષ દરમિયાન ક્રેડીટ કાર્ડથી અમુક રકમ સુધી ખરીદી કરો તો કાર્ડની વાર્ષિક ફી માફ કરવામાં આવશે.
 • જો આપનો CIBIL સ્કોર સારો હશે તો લોનનો વ્યાજ-દર ઘટાડી આપવામાં આવશે.
 • આપને પેહલેથી જ મંજુર થયેલી (Pre-Approved) લોન કે ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે.

સંસ્થાલક્ષી જોખમ
ઉદાહરણોઃ

 • મુડીની ગેર કાયદેસર અવર-જવર (હવાલા) રોકવામાં મદદરૂપ છે.
 • જો ગ્રાહક લોનની ચુકવણી ના કરે તો CIBIL જેવી સંસ્થામાં તેની જાણ કરવાથી ગ્રાહકને ભવિષ્યમાં સેવા લેતા રોકી શકાય.

KYC થી ગ્રાહકને થતા ફાયદા
અત્યાર સુધી આપણે નાણાકીય સંસ્થાને થતા ફાયદાઓ તપાસ્યા. હવે ગ્રાહકને મળનારા ફાયદાઓઃ

 • KYC પેહલા કયા પુરાવા આપવા એ માહીતિનો સદંતર અભાવ હતો. જેમ કે, ઓળખના પુરાવા તરીકે એક સંસ્થા આપના કંપની ઓળખપત્ર ને માન્ય રાખે અને બીજી સંસ્થા અમાન્ય રાખે. હવે મોટાભાગે બધી સંસ્થાઓની પુરાવાની જરૂરીયાત એક સરખી છે. ઓછી માથાકૂટ!
 • મ્યુચ્યુઅલ ફંડ જેવા ક્ષેત્રો તો એકસરખા પુરાવા સ્વીકારવા કરતા પણ આગળ વધી ગયા છે. તમે એક સંસ્થા પાસે KYC પ્રક્રીયા પુર્ણ કરેલ છે તો બીજી સંસ્થા તેને માન્ય રાખશે!
 • તમારા એક સંસ્થા સાથેના સારા વ્યવહારના ફાયદા તમે બીજી સંસ્થા પાસે પણ મેળવી શકો!

હવે મુખ્ય પ્રશ્ન – ક્યા પુરાવા આપવા?
ઓળખનો પુરાવો:

 • પાસપોર્ટ
 • ડ્રાઈવીંગ લાઈસન્સ
 • પાનકાર્ડ
 • મતદાર ઓળખ પત્ર
 • આધાર
 • નરેગા કાર્ડ
 • રાજ્ય કે કેન્દ્ર સરકારનું ઓળખ પત્ર

રહેઠાણનો પુરાવો:

 • વપરાશનું બીલ (વીજળી, ટેલીફોન, ગેસ, ક્રેડીટ કાર્ડ વગેરે)
 • પ્રોપર્ટી ટેક્ષનું બીલ
 • બેંકનુ સ્ટેટમેન્ટ
 • પાસપોર્ટ
 • ડ્રાઈવીંગ લાઈસન્સ
 • મતદાર ઓળખ પત્ર
 • નરેગા કાર્ડ
 • આધાર