નિર્મલાતાઈની બજેટ ૨૦૨૦-૨૧ની ગૂગલી! જુની કે નવી ટેક્ષ પદ્ધતિ?

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે બજેટ રજુ થઈ ચુક્યુ છે. છેલ્લા ૬ વર્ષથી ટેક્ષ સ્લેબમાં સરકારે કોઇ ખાસ ફેરફારો કર્યા નથી. પણ આ વખતે સરકારે ધુળ કાઢી નાખી! લાંબા સમયથી અલગ-અલગ સરકારના નાણામંત્રીઓ ડાયરેક્ટ ટેક્ષ કોડ – Direct tax Code (DTC) ની વાતો કરતા હતા. DTC છે બહુ સરળ, કોઈ એગ્ઝેંપ્શન(કર લાભ) નહી, કોઈ ટેક્ષ માફી નહી, સીધી આવક સામે સીધો કર. એક ઘા ને બે કટકા! પણ DTC લાગુ કરવો એટલો સરળ નથી. એગ્ઝેંપ્શનમાં 80C(વીમો, PPF, ELSS, ટેક્ષ સેવર FD), 80D(મેડી ક્લેમ), ઘર લોન, NPS જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે.

જો DTC લાગુ કરાય તો વીમો, PPF, ELSS, ટેક્ષ સેવર FD, મેડી ક્લેમ, ઘર લોન, NPS જેવા એગ્ઝેંપ્શનને જાકારો આપવો પડે. કરદાતા આ લાભ જતા ના કરે અને આ બધા ક્ષેત્રો જે મોટા ભાગે એગ્ઝેંપ્શન ઉપર આધારીત છે તેમનો વિકાસ અટકે. કોઈપણ સરકાર સારી રીતે ચાલતા ક્ષેત્રોને ઓક્સીજન ઉપર તો ના જ મુકે. બસ આ જ કારણે DTC આજ સુધી દુર જ રહ્યો.

પણ…

નિર્મલાતાઈએ વચલો રસ્તો કાઢ્યો! નાણામંત્રી DTC તો લાવ્યા પણ એની સાથે જુની ખીચડી પણ ચાલુ રાખી. ટેક્ષ પેયરને પસંદ આપી કે સારું એ તમારુ! #બજેટ #ટેક્ષ_કેલ્ક્યુટર #બજેટ૨૦૨૦

હવે દરેક કરદાતા પાસે બે પસંદગીઓ છેઃ

 • જુની પદ્ધતિ – કરદાતાને બધા એગ્ઝેંપ્શન ના લાભ મળવાનુ ચાલુ રહે, પણ ટેક્ષ સ્લેબ ગયા વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦) પ્રમાણે લાગુ પડે.
 • નવી પદ્ધતિ – કરદાતાને નવા ઘટાડેલા ટેક્ષ સ્લેબ પ્રમાણે લાભ મળે, પણ એગ્ઝેંપ્શન ના લાભ જતા કરી દેવા પડે. (જેને સાચા અર્થમાં DTC કહેવાય).

હવે જોઈએ જુની તથા નવી પદ્ધતિમાંના ટેક્ષ સ્લેબના ફેરફારો –
(૬૦ વર્ષથી નીચેના વ્યક્તિઓ માટે)

ઇન્કમ ટેક્ષ સ્લેબ
(લાખમાં)
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ટેક્ષ
(જુની પદ્ધતિ)
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ટેક્ષ
(નવી પદ્ધતિ)
નવી પદ્ધતિ મુજબ
મળનાર ટેક્ષ ફાયદો
૨.૫ સુધીમાફમાફરુ. ૦
૨.૫ – ૫ ૫%૫%રુ. ૦
૫ – ૭.૫૨૦%૧૦%રુ. ૨૫૦૦૦
૭.૫ – ૧૦ ૨૦%૧૫%રુ. ૧૨૫૦૦
૧૦ – ૧૨.૫૩૦%૨૦%રુ. ૨૫૦૦૦
૧૨.૫ – ૧૫૩૦%૨૫%રુ. ૧૨૫૦૦
૧૫ થી વધારે૩૦%૩૦%રુ. ૦
કુલરુ. ૭૫૦૦૦
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલ ઇન્કમ ટેક્ષના ફેરફારો

ઉપર દર્શાવ્યા મુજબ,

 • જુની પદ્ધતિમાં ચાર સ્લેબ હતા, નવી પદ્ધતિમાં સાત સ્લેબ છે.
 • રુ. ૧૫ લાખની આવક પર નવી પદ્ધતિમાં રુ. ૭૫૦૦૦ ઓછો ઈન્કમ ટેક્ષ લેવાશે.
 • પરંતુ, નવી પદ્ધતિમાં એગ્ઝેંપ્શનના લાભ જતા કરવાના રહેશે.

રુ. ૭૫૦૦૦નો પ્રશ્ન! નવી પદ્ધતિમાં જવું કે જુની માં રહેવુ?
ઉત્તર સરળ છે, જો આપને એગ્ઝેંપ્શનથી થતો કર લાભ નવી પદ્ધતિ કરતા વધારે હોય તો પછી ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ!’

નવી પદ્ધતિમાં જવું કે જુની માં રહેવુ? જાણો ટેક્ષ કેલ્ક્યુટર દ્વારા કઈ પદ્ધતિ આપના માટે સારી. જુની કે નવી! #બજેટ #ટેક્ષ_કેલ્ક્યુટર #બજેટ૨૦૨૦

જુની / નવી પદ્ધતિની ગણતરીની પળોજણમાં ના પડવું હોય તો આ રહી એક્દમ સરળ એક્સેલ ફાઈલ!

આમ જોઈએ તો કઈ પદ્ધતિ ફાયદાકારક રહેશે તે તો આપના લીધેલા એગ્ઝેંપ્શન ઉપર આધારીત છે. સમાન આવક વાળા પણ અલગ અલગ એગ્ઝેંપ્શન લેનાર કર દાતા માટે અલગ-અલગ પદ્ધતિ લાભકારક રહી શકે! વધારે સમજવા માટે જોઈએ શ્રી નાથાલાલ તથા શ્રી અમથાલાલ નો દાખલો!

 • શ્રી નાથાલાલ તથા શ્રી અમથાલાલ બન્નેની આવક રુ. ૧૩ લાખ છે.
 • શ્રી નાથાલાલ રુ. ૨,૭૫,૦૦૦ ના એગ્ઝેંપ્શનનો લાભ લે છે.
  ૧,૫૦,૦૦૦(80C) + ૫૦,૦૦૦(NPS-80CCD-1B) + ૨૫,૦૦૦(80D) + ૫૦,૦૦૦(Standard Deductions)
 • શ્રી અમથાલાલ માત્ર રુ. ૨,૦૦,૦૦૦ ના એગ્ઝેંપ્શનનો લાભ લે છે.
  ૧,૫૦,૦૦૦(80C) + ૫૦,૦૦૦(Standard Deductions)
 • જોઈએ નિર્મલાતાઈની ગૂગલી બન્ને એ કેવી રીતે રમવી જોઈએ!
શ્રી નાથાલાલશ્રી અમથાલાલ
ક. મૂળભુત આવક૧૩,૦૦,૦૦૦૧૩,૦૦,૦૦૦
ખ. એગ્ઝેંપ્શન / કર લાભ૨,૭૫,૦૦૦૨,૦૦,૦૦૦
ગ. એગ્ઝેંપ્શન બાદ કર્યા પછીની આવક૧૦,૨૫,૦૦૦૧૧,૦૦,૦૦૦
જુની પદ્ધતિ પ્રમાણે ટેક્ષ @ ગ૧,૨૦,૦૦૦૧,૪૨,૫૦૦
નવી પદ્ધતિ પ્રમાણે ટેક્ષ @ ક૧,૩૭,૫૦૦૧,૩૭,૫૦૦
પરીણામ શ્રી નાથાલાલ માટે જુનું એ સોનુ છે!શ્રી અમથાલાલે નવી ઘોડીએ નવો દાવ રમવાનો રહેશે!
ઉપરની ગણતરીમાં ૪% સેસને નથી ધ્યાનમાં લીધો.

પ્રતિભાવમાં જણાવશો કે આપને કઈ પદ્ધતિ અનુકૂળ પડશે?