ક્રેડિટ સ્કોર – Credit Score શું છે?

શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની એક પ્રખ્યાત રમુજ છે,
મથુર ને જોવા માટે દીકરી વાળા આવ્યા.
દીકરી વાળા – દીકરાની લાયકાત શું છે?
શાહબુદ્દીન રાઠોડ – દીકરો ઉંમર લાયક છે!

મથુરનું જે થયું હોય તે ખરું, પણ જીવન ના દરેક વિષયમાં લાયકાત નું ઘણું મહત્વ હોય છે.

ઉધારી એ પણ ઘણો લાયકાત આધારિત વિષય છે. ક્રેડિટ સ્કોર એ આપની ઉધાર લઇને સમયસર ચુકવવાની લાયકાતનો સુચકાંક છે.

ક્રેડિટ સ્કોર એ વ્યક્તિની સમયસર ઉધાર પરત કરવાની ટેવ પર આધારિત એક આંકડો છે. આ અંક ઉધાર બજારમાં વ્યક્તિની શાખને દર્શાવે છે. બેન્ક, લોન અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ ગ્રાહકોને ઉધાર આપતા પહેલા ખાતરી કરવા માંગતી હોય છે કે ગ્રાહક ઉધાર ચુકતે કરી શકશે કે નહી. જુના જમાનામાં ઓળખાણ અને આવક જોવામાં આવતી. જો કે ખરું વિચારો તો ઓળખાણ એ એક સલાહ જેવી હોય છે, ચાલ્યું તો ઠીક નહીંતર ચુકવણીના નામ નું નાહી નાખવાનું. એ જ રીતે સગવડ હોવા છતા ઉધાર ના ચુકવવા વાળાની સંખ્યા ઓછી નથી હોતી!

આવી પરિસ્થિતીમાં એક જ માનક ખરું ઉતરે. ઇતિહાસ!
ગ્રાહકે અત્યાર સુધીમાં કેટલી વાર ઉધારીના વ્યવહાર કર્યા છે? ચુકવણી બરાબર સમયે કરી છે કે નહી? જો આ બધી માહીતિ હાજર હોય તો નિર્ણય સરળતાથી લઇ શકાય. અને જો આ માહીતિ પરથી ગ્રાહકનું મુલ્યાંકન કરી નંબર આપવામાં આવે તો બીજું શું જોઇએ?
આપનો ક્રેડિટ સ્કોર પરીક્ષાના પરીણામ જેવો હોય છે. જેમ આંકડો મોટો તેમ આપની શાખ વધારે. જો આપનો ક્રેડિટ સ્કોર જો નબળો હોય તો આપની લોનની અરજી નામંજુર થઇ શકે છે.

ક્રેડિટ સ્કોર કોણ નક્કી કરે?
ક્રેડિટ સ્કોર નક્કી કરવા માટે બધા દેશ બે માંથી એક વ્યવસ્થા રાખતા હોય છે.
૧. જે તે દેશની સરકાર પોતે ક્રેડિટ રેકર્ડ મેનેજમેંટ સંસ્થાની સ્થાપના કરે
૨. સરકાર ખાનગી સાહસોને ક્રેડિટ રેકર્ડ મેનેજમેંટ કરવા માટે લાયસંસ આપે

ભારત માં ક્રેડિટ સ્કોરનો ઇતિહાસ
ભારત સરકાર ખાનગી સાહસોને ક્રેડિટ બ્યુરો ચલાવવાનું લાયસંસ આપે છે. ૨૦૦૦ ની સાલમાં ટ્રાંસ-યુનિયન CIBIL દ્વારા ભારતના પ્રથમ ક્રેડિટ બ્યુરોની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાએ જ મોટાભાગનું પાયાનું કામ ચાલુ કર્યુ. ૨૦૧૦માં બીજી ત્રણ સંસ્થાઓ (હાઇ માર્ક CRIF High Mark, ઇક્વીફેક્સ Equifax, એક્ષપેરીયન Experian) ને પણ લાયસન્સ આપવામાં આવ્યા.

ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે?
ક્રેડિટ બ્યુરો ગ્રાહકોની ક્રેડિટ ઇતિહાસની જાણ, સુધારણા અને સંગ્રહ કરે છે. ક્રેડિટ સ્કોરની ગણતરી કરતી વખતે મોટા ભાગે પાંચ મુખ્ય પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દરેક ક્રેડિટ બ્યુરો પોત પોતાની રીતે આ પરીબળોને ક્રેડિટ સ્કોરમાં મહત્વ આપે છે.

  • ચુકવણીનો ઇતિહાસ – બતાવે છે કે કોઈ વ્યક્તિ તેની જવાબદારીઓને સમયસર ચૂકવે છે કે કેમ.
  • બાકી રકમ – આજની તારીખે કેટલી જવાબદારીઓ ચૂકવવાની બાકી છે. જેમ કે આપ આપની મર્યાદા સુધી મળતી બધી રકમ ઉધાર લઇ લો છો.
  • ક્રેડિટ ઇતિહાસની લંબાઈ – આપનો ક્રેડિટ ઇતિહાસ જેટલો લાંબો એટલો વધારે સારું. સામાન્ય રીતે બેંક લાંબા સમય સુધી નિયમિત રીતે ચૂકવણી કરનાર ને પ્રાથમિક્તા આપતી હોય છે.
  • ક્રેડિટના પ્રકાર – કેવી જવાબદારી છે? હોમ લોન, કાર લોન કે પછી ક્રેડિટ કાર્ડ.
  • નવી ક્રેડિટ – વ્યક્તિ કેટલી વારંવાર ક્રેડિટ લે છે. આપના માટે બેંક કેટલી વાર સ્કોરની પુછપરછ કેરે છે. વધારે પુછપરછનો અર્થ એમ નીકળે કે આપની આર્થિક સ્થતિ ડામાડોળ છે અને આપ ઘણી બધી જગ્યાએ ઉધાર લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો!

ટ્રાંસ-યુનિયન CIBIL નો સ્કોર ૩૦૦ થી ૯૦૦ વચ્ચેનો હોય છે. સામન્ય રીતે આપનો ક્રેડિટ સ્કોર ૬ માસની ચૂકવણી પછી ગણવાનું ચાલુ થાય છે. દરેક ક્રેડિટ બ્યુરોની ગણતરીની પધ્ધતિ અલગ હોય છે. ટ્રાંસ-યુનિયન CIBIL આવો સ્કોર આપી શકેઃ

ક્રેડિટ સ્કોરસમજણ
NA/NHવ્યક્તિગત કોઈ ક્રેડિટ ઇતિહાસ નથી; તેથી આપની કોઈ માહિતીનો અહેવાલ નથી. આપના વ્યક્તિગત ક્રેડિટ રિપોર્ટમાં ફક્ત પૂછપરછ થઈ શકે છે એટલે કે બેન્કોએ વ્યક્તિગત ધિરાણ અહેવાલ તપાસ કર્યો છે પરંતુ કોઈ લોન મંજૂર નથી કરી. અથવા તો છેલ્લા ૨૪ મહિનામાં આપની કોઈ ક્રેડિટ માહિતીની જાણ કરવામાં આવી નથી.
૧ – ૫આપ ૬ મહિનાથી ઓછા સમયનો ક્રેડિટ ઇતિહાસ ધરાવો છો.
૩૦૦ – ૯૦૦૩૦૦ એટલે આપ ઉધાર આપવાને લાયક નથી. ૯૦૦ એટલે આપ મર્યાદા પુરુષોત્તમ છો અને બધી જવાબદારી સમયે ચૂકવી દો છો. જ્યારે પણ આપ નિયમિત રીતે ચૂકવણી કરો એટલે આપનો ક્રેડિટ સ્કોર ઉંચો જાય છે. જ્યારે આપ ચુકવણી કે હપ્તો ચૂકી જાવ છો કે મોડો ભરો છો ત્યારે આપની બેંક સામે ચાલીને તેની માહીતિ બધા ક્રેડિટ બ્યુરો ને આપે છે. આપનો મોડો ભરેલો કે ભરવાનો રહી ગયેલો હપ્તો આપના ક્રેડિટ સ્કોરને નીચો લાવે છે.