ગ્રેચ્યુટી – Gratuity શું છે?

ગ્રેચ્યુટી એ એક લાભ છે જે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ ચૂકવાય છે. ગ્રેચ્યુટી એ કંપનીમાં આપવામાં આવતી સેવાઓ માટે કર્મચારીને નિવૃત્તિ અથવા સ્વૈચ્છિક રાજીનામા પછી એકવારમાં ચૂકવવામાં આવતી રકમ છે. જો કે, ગ્રેચ્યુટી ફક્ત એવા કર્મચારીઓને જ ચૂકવવામાં આવે છે જેઓ કંપની સાથે 5 અથવા તેથી વધુ વર્ષો પૂર્ણ કરે છે. કંપની કર્મચારીઓને પોતે ગ્રેચ્યુટી ઓફર કરી શકે છે અથવા વીમા કંપની પાસેથી ગ્રુપ ગ્રેચ્યુટી યોજના લઈ શકે છે.

ગ્રેચ્યુટીનો ઇતિહાસ
પહેલાના સમયમાં ઘણી કંપનીઓ કર્મચારીઓ નિવૃત્તિ પછી સારો સમય પસાર કરી શકે એવા શુભાશય સાથે અમુક રકમ નિવૃત્તિ લાભ તરીકે ચુકવતી. પણ કાયદાની ગેરહાજરી હોવાને કારણે ઘણી કંપનીઓ જવાબદારીમાંથી છટકી જતી.

૧૯૬૮માં દિલ્હી ક્લોથ અને જનરલ મિલ્સ કું. લિ. (DCM) વિરુધ્ધ તેમના કર્મચારીના કેસમાં ગ્રેચ્યુટીના કાયદાના મૂળ રોપાયા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું એવા કર્મચારી કે જેમણે કંપનીને લાંબા સમયથી અવિરત સેવા આપી હોય. એમની સેવા કંપનીની સમૃદ્ધિમાં ફાળો આપ્યા બરાબર ગણી શકાય. ગ્રેચ્યુટી સ્કીમ દ્વારા નિવૃત્તિ બાદ એવા કર્મચારીને લાભ મળવો જોઈએ.

ગ્રેચ્યુટી કોને મળી શકે?

 • કર્મચારી કંપનીમાંથી મુક્તિ માટે લાયક હોવો જોઈએ. નિવૃત્તિ અથવા સ્વૈચ્છિક રાજીનામું.
 • સ્વૈચ્છિક રાજીનામાના કેસમાં કર્મચારીએ ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી કંપનીમાં સેવા આપેલી હોવી જોઈએ. ૪ વર્ષ ૬ મહિના ન ચાલે. પાંચમાં વર્ષમાં ઓછામાં ઓછા ૨૪૦ દિવસ સેવા આપેલી હોવી જોઈએ.
 • માંદગી અથવા અકસ્માતને કારણે કોઈ કર્મચારીનું અવસાન થાય છે અથવા અપંગ થાય છે.

ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય?

ગ્રેચ્યુટી = * * ૧૫/૨૬
= કંપનીમાં સેવા આપેલા વર્ષો
= છેલ્લું મેળવેલ માસિક મહેનતાણું (મૂળભૂત + મોંઘવારી ભથ્થું)

ઉદાહરણ તરીકે, શ્રી નાથાલાલે કંપનીમાં કર્મચારી તરીકે ૨૮ વર્ષની સેવા આપી છે અને તેની છેલ્લું મેળવેલ માસિક મહેનતાણું (મૂળભૂત + મોંઘવારી ભથ્થું) ૩૫,૦૦૦ રૂપિયા છે. તો શ્રી નાથાલાલને કેટલી ગ્રેચ્યુટી મળવાપાત્ર હશે?

ગ્રેચ્યુટી રકમ = (૨૮ વર્ષ) * (૩૫,૦૦૦ મહેનતાણું) * ૧૫/૨૬
= રૂ. ૫,૬૫,૩૮૪ અને ૬૨ પૈસા

ગ્રેચ્યુટી વિશેની કેટલીક મહત્વની વાતો

 • રુ. ૨૦,૦૦,૦૦૦ સુધીની ગ્રેચ્યુટી આવક કરમુક્ત છે. કંપની ચાહે તો વધારે રકમ આપી શકે. રુ. ૨૦,૦૦,૦૦૦થી વધારેની રકમ લાગુ પડતા ટેક્ષ સ્લેબ મુજબ કરપાત્ર રહેશે.
 • જો કર્મચારીને કોઈપણ ગેરવર્તનને કારણે તેની નોકરી છોડી દેવાનું નક્કી થાય એવા કેસમાં કંપનીને કર્મચારીની ગ્રેચ્યુટીની ચુકવણી નકારવાનો અધિકાર છે .
 • કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, કર્મચારીના નોમિની અથવા વારસદારને ગ્રેચ્યુટી રકમ ચૂકવવામાં આવે છે.
 • છેલ્લું વર્ષ ક્યારે આખુ ગણવું? જો છેલ્લા વર્ષમાં ૬ મહિનાથી વધારે સેવા આપેલ હોય તો આખુ વર્ષ ગણાય છે. ઉદાહરણ –
  ૧૩ વર્ષ ૮ મહિનાની સેવા માટે ૧૪ વર્ષની ગ્રેચ્યુટી મળે
  ૧૫ વર્ષ ૫ મહિનાની સેવા માટે ૧૫ વર્ષની ગ્રેચ્યુટી મળે

અંતમાં,

જો ૫ વર્ષથી વધારે સેવા આપેલ હોય તો નોકરી મુક્યા પછી ગ્રેચ્યુટી લેવાનું ચુક્તા નહીં!